નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસો ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિતો દર્દીઓની સંખ્યા 1,09,91,651 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 14,264 નવા કેસો સામે આવ્યા છે. આ સંક્રમણથી છેલ્લા 24 કલાકોમાં 90 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 11,667 દર્દીઓ ઠીક થયા છે.


ભારતમાં આ સંક્રમણથી અત્યાર સુધી 1,06,89,715 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1,56,302 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં હવે કુલ એક્ટિવ કેસો એટલે કે એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે, તેમની સંખ્યા 1,45,634 છે, જ્યારે શનિવારે આ સંખ્યા 1,43,127 હતી. એટલે કે સંક્રમિત દર્દીઓમાં વધારો થયો છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. આ ભારતમાં સામે આવેલા કુલ સંક્રમિત કેસોના 1.32% છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્ર, કેરાલા, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત સંક્રમણના કેસો વધેલા સામે આવી રહ્યાં છે. વળી 74 ટકા એક્ટિવ કેસ ભારતના બે રાજ્યોમાં છે. આ રાજ્ય મહારાષ્ટ્ર અને કેરાલા છે. કેરાલામાં 58883 એક્ટિવ કેસ છે, જ્યારે મહારષ્ટ્રમાં 49630 કેસ છે.