નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત દસમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં 10 હજારનો વધારો થતાં ફરીથી ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 930નાં મોત અને 47,240 લોકો સાજા થયા છે. ગઈકાલે 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ હતા. રિકવરી રેટ 97.18 ટકા છે.

કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
તારીખ કેસ  મોત
1 જુલાઈ 48,786 1005
2 જુલાઈ 46,617 853
3 જુલાઈ 44,111 738
4 જુલાઈ 43,071 955
5 જુલાઈ 39,796 723
6 જુલાઈ 34,703 553

 દેશમાં સતત 54મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 6 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42 કરોડ 33 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 19 લાખ 7 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 6 લાખ 63 હજાર 665
  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 97 લાખ 99 હજાર 534
  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 59 હજાર 920
  • કુલ મોત - 4 લાખ 4 હજાર 211

કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.92 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે શું કહ્યું

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કેટલાક વિસ્તારમાં બીજી લહેર હજુ પણ મર્યાદીત સ્વરૂપે હાજર છે.  હિલ સ્ટેશનો પર ફરવા જતાં લોકો કોવિડ ગાઇડલાઇનને ફોલો નથી કરતાં. જો પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો અમે પ્રતિબંધોમાં આપેલી ઢીલ ફરીથી રદ્દ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમણે એમ પણ કહ્યું કે, દેશના 90 જિલ્લામાં  80 ટકાથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં એકટિવ કેસની સંખ્યા 5 લાખથી નીચે આવી ગઈ છે. હજુ એવા અનેક જિલ્લા છે જ્યાં સંક્રમણ દર 10 ટકા છે. અહીંયા કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. આ જિલ્લામાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂ છે.  દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.