નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 15મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા  અને 724 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870
  • કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713
  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899
  • કુલ મોત - 4 લાખ 8 હજાર 764

ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
તારીખ કેસ  મોત
1 જુલાઈ 48,786 1005
2 જુલાઈ 46,617 853
3 જુલાઈ 44,111 738
4 જુલાઈ 43,071 955
5 જુલાઈ 39,796 723
6 જુલાઈ 34,703 553
7 જુલાઈ 43,773 930
8 જુલાઈ 45,892 817
9 જુલાઈ 43,393 911
10 જુલાઈ 42,766 1206
11 જુલાઈ 41,506 895

કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસનો દર ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

 હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળો પર લોકોની ભીડથી ફરી કેસો વધી શકે છે

હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા.  તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.