નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,649 નવા કેસ નોંધાયા હતા અને 37,291 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 593 લોકોના મોત થયા હતા.


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3,16,13,993

  • એક્ટિવ કેસઃ 4,08,920

  • કુલ રિકવરીઃ 3,07,81,263

  • કુલ મોતઃ 4,23,810


કેટલા ડોઝ અપાયા


દેશમાં અત્યાર સુધીમાં કુલ 46, 15,18,479 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 44,38,901 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.


કેન્દ્ર સરકારે શું આપી ચેતવણી


કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિઅન્ટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે.  વધુમાં લોકડાઉન દૂર થતાં તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે. કેરળ, તામિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તિસગઢ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ અને લામ્બ્ડા જેવા નવા વેરિઅન્ટથી કોરોનાના કેસ વધી રહ્યા છે.






ગરીબો-ભીખારીઓ માટે વિશેષ રસીકરણ સત્રો ચલાવવા રાજ્યોને નિર્દેશ


કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગરીબો, વંચિતો, ભીખારીઓ અને રોજમદારો માટે વિશેષ રસીકરણ સત્રો યોજવા નિર્દેશ આપ્યા છે. આ લોકો જાતે રસી લેવા માટે કો-વિન પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે તેમ ન હોવાથી તેમજ રસીકરણ માટે તેમની પાસે પર્યાપ્ત સંશાધન ન હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યોને આ વર્ગ માટે વિશેષ સત્ર યોજવા કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો આ પ્રકારના વિશેષ સત્રો યોજવા માટે એનજીઓ, સામાજિક સંસ્થાઓની મદદ લઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશભરમાં રસીકરણ અભિયાન લોકકેન્દ્રી  છે અને સામાજિક-આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકો રસી લઈ શકે તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.