નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સતત ત્રીજા દિવસે એક લાખથી ઓછી નોંધઆઈ છે. છેલ્લા 24 કલાકમાં 94,052 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.
- કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493
- એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952
- કુલ મૃત્યુઆંકઃ 11,67,952
દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 644 નવા કેસ નોંધાયા હતા જ્યારે 10ના મૃત્યુ થયા હતા. 9 માર્ચ એટલે કે 3 મહિનામાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક 650થી નીચે નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત, વડોદરાને બાદ કરતાં તમામ જિલ્લામાં કોરોનાના 100થી ઓછા કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં બરાબર 100 દિવસે કોરોનાના દૈનિક કેસનો આંક 100થી નીચે આવ્યો છે. 17 જિલ્લામાં કોરોનાના 10થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 13,683 એક્ટિવ કેસ છે જ્યારે 346 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 72,375 ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે 2.23 કરોડ છે. રાજ્યમાં હાલ 91,879 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.