WHO Covid-19 guidelines: કોરોનાના નવા મોજાએ ચીન, જાપાન અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ દેશોમાં કોરોનાના વધતા કેસોએ ભારતને પણ ચિંતામાં મૂકી દીધું છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાથી મૃત્યુઆંક પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને WHOએ ફરી એકવાર કોરોના માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સાથે જ ભારતમાં કોરોના વાયરસને લઈને મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. 


WHOએ ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. WHO અનુસાર કોરોનાથી બચવા માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત  WHOએ રસીના બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરી છે.


10 દિવસનું આઇસોલેશન જરૂરી છે - WHO


WHOએ 10 દિવસ માટે આઈસોલેશન જરૂરી ગણાવ્યું છે. WHOએ કહ્યું હતું કે, જો કોવિડ-19ના દર્દીઓમાં વાયરસના લક્ષણો દેખાય તો તેમણે લક્ષણોની શરૂઆતની તારીખથી ઓછામાં ઓછા 10 દિવસ સુધી એકાંતમાં એટલે કે આઈસોલેશનમાં રહેવું પડશે. અગાઉ, WHO માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે, જે લોકોમાં કોરોનાના લક્ષણો દેખાય છે તેમને લક્ષણોની શરૂઆતના 10 દિવસ પછી રજા આપવામાં આવે છે. ઉપરાંત લક્ષણો ગાયબ થઈ જાય તે પછી ઓછામાં ઓછા 3 દિવસ સુધી તકેદારી રાખવામાં આવે છે.


નેગેટિવ રિપોર્ટ ધરાવતા લોકો માટે આ નિયમ


WHOએ કહ્યું હતું કે, જો કોઈ કોરોના સંક્રમિત દર્દીનો એન્ટિજેન આધારિત રેપિડ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવે છે, તો તેને આઈસોલેશનમાંથી વહેલા ડિસ્ચાર્જ કરી શકાય છે. આ સિવાય જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે પરંતુ કોવિડના લક્ષણો દેખાતા નથી, તેમના માટે 5 દિવસનું આઇસોલેશન જરૂરી છે. અગાઉ આ દર્દીઓ માટે આઈસોલેશનનો સમયગાળો દસ દિવસનો હતો.


ભારતમાં કોરોના ખતમ થવાના આરે


જ્યારે ભારતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના 114 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા 4.46 કરોડ (4,46,81,154) થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે કોરોનાના સક્રિય કેસ ઘટીને 2,119 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયો છે.