Delhi : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના 300થી વધુ નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણનો  દર વધીને 2.39 ટકા થયો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોવિડ -19 થી કોઈનું મૃત્યુ થયું નથી.


કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર દિલ્હીને પોતાના કાબૂમાં લેતું જણાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 325 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જે વહીવટીતંત્રની મુશ્કેલીઓમાં વધારો કરે તેવું લાગી રહ્યું છે. હાલમાં, આ સમયગાળા દરમિયાન ચેપને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. દિલ્હીમાં આજે છેલ્લા 40 દિવસમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ જોવા મળ્યા છે.


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 3 માર્ચથી અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણ  દર વધીને 2.39 ટકા થઈ ગયો છે. આરોગ્ય વિભાગના એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 13576 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન 224 લોકો સારવાર બાદ સાજા થયા છે.


દરમિયાન, દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીની શાળાઓ માટે કોવિડ -19 સંબંધિત નવી એડવાઇઝરી જાહેર કરી છે. આ નવી એડવાઈઝરીમાં સરકારે શાળાઓને સૂચના આપી છે કે જો કોઈ વિદ્યાર્થી અથવા કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થાય તો સમગ્ર કેમ્પસ અથવા ચોક્કસ ભાગને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવે. DEOએ એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓ અને સ્ટાફે માસ્ક પહેરવું જોઈએ અને બને ત્યાં સુધી અંતર જાળવવું જોઈએ.


દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR) માં કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાવાયરસથી સંક્રમિત હોવાના અહેવાલો વચ્ચે 13 એપ્રિલના રોજ એડવાઈઝરી જાહેર  કરવામાં આવી હતી. એડવાઈઝરી જણાવે છે કે, જો કોવિડનો કોઈ નવો કેસ જોવા મળે છે અથવા શાળા પ્રશાસનને તેની જાણ કરવામાં આવે છે, તો તેની જાણ તરત જ DEOને કરવી જોઈએ અને શાળાના સંલગ્ન ભાગ અથવા સમગ્ર શાળાને અસ્થાયી રૂપે બંધ કરી દેવી જોઈએ.