તિરુપતિઃ તિરુપતિ મંદીરમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જણાવીએ કે, લોકડાઉન બાદથી ભક્તોના દર્શન કરવા માટે તિરૂપતિ મંદીર ખોલવામાં આવ્યું છે. અત્યાર સુધી અહીં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનના 743 કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન (ટીટીડી)ના અધિકારી અનુલ કુમાર સિંહે જણાવ્યું કે, 11 જૂનના રોજ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 743 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી 402 ઠીક થઈ ગયા છે અને ડ્યૂટી પર પરત ફર્યા છે. ઉપરાંત 338 લોકોની સારવાર ચાલી રહી છે. આ લોકો ટીટીડીના ત્રણ અલગ અલગ વિશ્રામ ગૃહોમાં છે. શ્રીનિવાસમ, વિષ્ણુનિવાસમ અને માધવમ વિશ્રામ ગૃહને આવા કર્મચારીઓની સારવાર માટે કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

અનિલ કુમારે જણાવ્યું કે, માત્ર ત્રણ લોકોના જ કોરોનાને કારણે જીવ ગયા છે. તેમણે કહ્યું કે, અમે અમારા કર્મચારીઓને સારામાં સારી સુવિધા અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરતાં 11 જૂનથી મંદિરોમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યા હતા.