મુંબઈ: ભારતમાં કોરોના વાયરસના પોઝિટિસ કેસ ઝડપથી વધી રહ્યાં છે અને તેની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં ગુરુવારે કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અહીં એક 54 વર્ષીય સફાઈ કર્મચારીમાં કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણ જોવા મળ્યાં છે. બુધવારે જ કોરોનાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જે વ્યક્તિમાં ગુરુવારે લક્ષણ જોવા મળ્યાં છે તે વર્લી વિસ્તારનો રહેવાસી છે. જોકે તે ધારાવીના માહિમ ફાટક રોડની પાસે કામ કરતો હતો. જોકે આ વાત મુંબઈ પ્રશાસન માટે ચિંતા વધારનાર છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના વાયરસના લક્ષણો જોવા મળી રહ્યાં હતા. ત્યાર બાદ ગુરુવારે તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.




બુધવારે જ ધારાવીમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાય હતો જ્યાં 56 વર્ષીય વ્યક્તિનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. કોરોનાનો કેસ આવ્યા બાદ પ્રશાસને હાઉસિંગ સોસાયટીને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી હતી. તેમાં લગભગ 2000 લોકો રહે છે. પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગમાં રહેનાર તમામ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. હાલ તમામને ક્વારેન્ટીન કરવામાં આવ્યા છે.



ધારાવી જેવા ગીચ વિસ્તારમાં કોરોના વાયરસની મહામારીના લક્ષણ જોવા મળ્યાં તે એક ચિંતાનો વિષય છે. ધારાવીને મુંબઈની સૌથી ગીચ અને ગરીબ વસ્તીવાળું ક્ષેત્ર માનવામાં આવે છે. જ્યાં લગભગ 15 લાખ જેટલા લોકો રહે છે.