નવી દિલ્હી: દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્રી ગૃહમંત્રાલયે કડક પગલા ઉઠાવ્યા છે. વીઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કરી દીધાં છે. તેની સાથે તેમના ભારતીય વીઝા પણ રદ કરી દીધાં છે. આ સિવાય આ તમામ લોકો વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

તબ્લીગી જમાતની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે, વિદેશીઓ દ્વારા વીઝાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વિદેશી વીઝા લઈને પ્રયટનના નામ પર રહે છે પરંતુ તેના બદલે ધાર્મિક પ્રવૃતિઓમાં સામેલ થાય છે. જેની જાણ થતા ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો હતો કે, જો કોઈ વીઝા ધારક ટૂરિસ્ટના વિઝા પર ધાર્મિક પ્રવૃતિઓમાં સંડવાયેલા જણાશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.



ગૃહમંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર 960 લોકોના વીઝા કેન્સલ કરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ દેશના તમામ રાજ્ય પોલીસને પણ કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે ગૃહમંત્રાલયે આ પણ નિર્ણય લીધો છે, તે વિદેશીઓમાં જેને કોરોની બીમારી નથી તેને તેમના દેશમાં મોકલી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય આ મામલે વધુ કડક પગલા લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલય અનુસાર 70 દેશોમાંથી આવેલા 2000 જેટલા વિદેશીઓ એવા છે જે ટૂરિસ્ટ વીઝાના નામ પર ભારતમાં આવ્યા છે, તે તમામ વિદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે.