મોદીએ કહ્યું કે, જે વિસ્તારો કોરોનાવાયરસને નાથવામાં સફળ થશે તેમને 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો આપી શકાશે. આ અંગેનું વિસ્તૃત જાહેરનામું આવતી કાલે 15 એપ્રિલે બહાર પાડવામાં આવશે. અલબત્ત કોરોના સામે લડવા માટેની શરતોનું પાલન નહીં કરાય તો આ છૂટછાટો પણ પાછી લઈ લેવાશે. મોદીએ સ્પષ્ટતા કરી છે કે, ગરીબો વર્ગને આજીવિકા કમાવામાં તકલીફ ના પડે એ માટે આ છૂટછાટો અપાશે.
મોદીએ જાહેર કરેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પૂરા થતાં વડાપ્રધાન મોદીએ આજે 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં મોદીએ લોકડાઉનના અમલ માટે દેશનાં લોકોનો આભાર માન્યો હતો. મોદીએ તેમના સંબોધનમાં લોકોને લોકડાઉનમાં તકલીફ ના પડે અને અર્થતંત્ર પણ સાવ મંદીની પકડમાં ના આવી જાય એટલે કેટલીક છૂટછાટો પણ જાહેર કરી છે. વડાપ્રધાનના કાર્યાલયે સોમવારે ટ્વીટ કરીને મોદી મંગળવારે રાષ્ટ્રને સંબોધ કરશે એવી માહિતી આપી હતી. કોરોનાવાઈરસ કટોકટી પછી મોદીએ 26 દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે.
સોમવારે પીએમઓ દ્વારા કરાયેલી ટ્વિટના પગલે એવી અટકળો તેજ બની હતી કે, વડાપ્રધાન મોદી અમુક છૂટછાટ સાથે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી. વડાપ્રધાન મોદીએ ગયા શનિવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા અંગે વાત પણ કરી હતી.