મોદીની મોટી જાહેરાતઃ આ રાજ્યોને 20 એપ્રિલ પછી અપાશે લોકડાઉનમાં છૂટછાટો, આર્થિક પ્રવૃત્તિ કરવા દેવાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Apr 2020 10:47 AM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે એટલે કે 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે એટલે કે 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. મોદીએ આ દરમિયાન કહ્યું કે, જે વિસ્તારો કોરોના વાયરસને નાથવામાં ગંભીરતા બતાવશે તેમને 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો આપી શકાશે. મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર તમામ જિલ્લા, વિસ્તારો તથા રાજ્યો પર ચાંપતી નજર રાખશે. તમામ રાજ્યોએ લોકડાઉનના નિયમોનું અત્યંત કડક રીતે પાલન કરવું પડશે. જે રાજ્યોમાં હોટ સ્પોટ વિસ્તારોની સંખ્યા નહીં વધે તે રાજ્યોમાં 20 એપ્રિલથી કેટલીક મહત્વની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે આ અંગે પણ તેમણે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. આ શરતોનું પાલન નહીં કરાય તો આ છૂટછાટો પણ પાછી લઈ લેવાશે. મોદીએ સ્પષ્ટતા કરી છે કે, ગરીબો વર્ગને આજીવિકા કમાવામાં તકલીફ ના પડે એ માટે આ છૂટછાટો અપાશે. આ ઉપરાંત જે રાજ્યોમાં હોટ સ્પોટ નથી તે વિસ્તારોને પણ 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો અપાશે.