નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો છે. ભારતને 50 કરોડથી વધારે ડોઝ આપવામાં 203 દિવસ લાગ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 10 લાખ 9 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  જેમાંથી ગઈકાલે જ 49,55,138 લોકોને રસીના ડોઝ અપાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, દેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 18થી 44 વયજુથના એક કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.


ભારતમાં રસીકરણ



  • 0-10 કરોડનો આંકડો સ્પર્શવામાં 85 દિવસ લાગ્યા

  • 10-20 કરોડમાં 45 દિવસ

  • જે બાદ 20-30 કરોડ પહોંચવામાં 29 દિવસ

  • 30-40 કરોડમાં 24 દિવસ

  • 50 કરોડ સુધી પહોંચવામાં માત્ર 20 દિવસ


PM મોદીએ ટવીટ કરીને શું કહ્યું


પ્રધાનમંત્રીએ ટ્વિટરના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા લખ્યું કે કોરોના સામેની લડાઈમાં ભારતે આજે વધુ એક નવું શિખર પ્રાપ્ત કર્યું છે. કોરોના રસીમાં દેશે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ આંકડાને આગળ વધારતા આપણે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આપણા નાગરિકોને સૌને રસી, વિનામૂલ્યે રસી કાર્યક્રમ હેઠળ તેનો લાભ મળે.


ગુજરાતમાં 887 ગામડામાં 100 ટકા રસીકરણ 


 ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. અત્યાર સુધી ત્રણેક કરોડ થી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.જોકે, શહેરીજનો કરતાં ય ગામડાના લોકોએ લોકજાગૃતિના દર્શન કરાવ્યા છે કેમકે, ગુજરાતમાં 887 ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ  છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે.  ગુજરાતમાં અત્યાર સુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યુ છે કેમકે, આ જિલ્લામાં 86 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે.આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના  43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓ એવા છે જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે. નોંધનીય છેેકે, સફળ પાંચ વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે નવ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યા છે જેમાં જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનુ ય સરકાર વતી સન્માન કરાયુ છે.   જોકે, ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે


દેશમાં કોરોનાની સ્થિતિ


શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 38,628 નવા કેસ નોંધાયા હતા અને 40,017 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 617 લોકોના મોત થયા હતા.  


કુલ કેસઃ 3,18,95,385


એક્ટિવ કેસઃ 4,12,513


કુલ રિકવરીઃ 3,10,55,861


કુલ મોતઃ 4,27,317