ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રના ઘરેથી વીજ ચોરી ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે વીજ કંપનીએ શુક્રવારે અચાનક ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન પૂર્વ સાંસદ પ્રભાતસિંહના પુત્ર વીજય ચૌહાણના ઘરે ચેકિંગ કરતા વીજ ચોરી ઝડપાઈ હતી. જે બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ 1 લાખ 95 હજારનો દંડ ફટકારી વસૂલાતની કામગીરી સહીત પોલીસ ફરિયાદની કામગીરી શરુ કરી છે.


સાંસદના પીએ તરીકે ખોટી ઓળખ આપી ઠગાઇ


અમરેલીના સાંસદ નારણ કાછડીયાના પીએ તરીકે ખોટી ઓળખાણ આપી બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવાનું કહી ઠગાઈ અને છેતરપીંડી આચરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસે બે આરોપીઓની ધરપરડ કરી છે. મુકેશભાઈ ચોલેરા નામના વેરાવળના વ્યક્તિને ફોન કરી તાપીના બે શખ્સોએ અઢી લાખ રૂપિયા નાણા માંગ્યા હતા. અને સાંસદના પીએ સુરેશભાઈ તરીકેની ખોટી ઓળખાણ આપી હતી. જો કે આ અંગે મુકેશભાઈ સાંસદના પીએ વિશાલ સરધારાનો સંપર્ક કરતા ગઈકાલે ફરિયાદ નોંધવાઈ હતી. જેથી ખોટી ઓળખ અને ઠંગાઈ અને છેતરપિંડી કરનાર બંન્ને શખ્સોને ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી ચોરીના મોબાઈલ સહિત 45 હજારનો મુદામાલ કબ્જે કરાયો.


પાટણ ચીફ ઓફિસર અને ભાજપના નગરસેવક વચ્ચે છૂટાહાથની મારમારી


પાટણ નગરપાલિકામાં સહી કરવા જેવી બાબતે થયો મોટો હંગામો. પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપના નગરસેવક વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. વાત એમ હતી કે, ભાજપના નગરસેવક મહમંદ હુસૈન ફારુકી પોતાના વોર્ડના લોકોને નળ કનેક્શન મળે તે માટે ફોર્મ લઈને પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી પાસે પહોંચ્યા હતા.


નગરસેવકે ચીફ ઓફિસરને ફોર્મમાં સહી કરવાનું કહેતા. જવાબ મળ્યો કે થોડી વાર પછી આવો. જેને લઈ ભાજપના નગરસેવક ઉશ્કેરાઈ ગયા અને બંને વચ્ચે  મારપીટ થઈ. એક સમયે તો ભાજપના નગરસેવકે ખુરશી ઉપાડી લાત મારી હતી. તો સામે ચીફ ઓફિસરે પણ થપ્પડો વરસાવી હતી.


મારપીટને લઈ પાલિકા કચેરીમાં અફરા-તફરી મચી ગઈ હતી. ત્યા હાજર લોકોએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. નગરસેવકનો આરોપ હતો કે એક મહિનાથી ચીફ ઓફિસર ફોર્મ પર સહી જ ન કરતા ન હતા.