નવી દિલ્હી: દેશમાં બેકાબૂ કોરોના વાયરસની બીજી લહેરની સમીક્ષા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કોવિડ -19 ની સ્થિતિની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યાના અનુસાર, પીએમ મોદીની અધ્યક્ષતામાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા બેઠકમાં દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રસીકરણ સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના દર્દીઓ માટે હોસ્પિટલના બેડની ઉપલબ્ધતા વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.
પીએમ મોદીએ એ પણ નિર્દેશ પણ આપ્યા છે કે, અસ્થાયી હોસ્પિટલો અને આઇસોલેશન સેન્ટરોના માધ્યમથી બેડની વધારાનો પુરવઠો સુનિશ્ચિત થવો જોઈએ. વડાપ્રધાને વિવિધ દવાઓની વધતી જતી માંગને પહોંચી વળવા ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.
કોવિડ -19 પર સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશમાં રસીના ઉત્પાદન માટે સંપૂર્ણ સંભવિતનો ઉપયોગ કરો. તેમણે એમ પણ કહ્યું હતું કે તપાસ, દેખરેખ અને સારવાર માટે કોઈ વિકલ્પ નથી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્રીજા દિવસે બે લાખથી વધુ નવા કોરોના કેસ આવ્યા છે. આટલું જ નહીં, આ મહામારીની શરૂઆત બાદ પહેલીવાર એક દિવસમાં સૌથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં મોત થયાં છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જોકે 1,23,354 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 45 લાખ 26 હજાર 609
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220
- કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740
- કુલ મોત - 1 લાખ 75 હજાર 649
AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોના રસીકરણ શરૂ થયા બાદ અને કોરોના કેસમાં ઘટાડો આવતા લોકોએ કોવિડના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી. જેના કારણે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે.
ડો.ગુલેરિયાએ કહ્યું કે, આ એક એવો સમય છે જ્યારે આપણા દેશમાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે અને ચૂંટણીઓ પણ ચાલી રહી છે. આપણે સમજવું જોઈએ કે જીવન પણ મહત્વપૂર્ણ છે. આપણે તેને મર્યાદિત રીતે કરી શકીએ છે જેથી ધાર્મિક ભાવનાઓને નુકસાન ન થાય અને કોવિડની માર્ગદર્શિકાનું પાલન પણ કરી શકાઈ.