નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા રસીકરણ અભિયાન વેગીલું બનાવાયું છે. આ દરમિયાન દેશના એક રાજ્યમાં તમામ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ કરનારું તે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ અંગે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પણ ટ્વીટ કર્યુ છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું, હિમાચલ પ્રદેશમાં દરેક વયસ્ક નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ કરનારું તે પ્રથમ રાજ્ય બની ગયું છે. આ ઉપલબ્ધિ માટે હિમાચલ પ્રદેશની જનતા અને સરકારને અભિનંદન આપું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું રસીકરણ અભિયાન વિશ્વમાં સૌથી ઝડપી છે.
ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે.
દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 27 લાખ 68 હજાર 80
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 19 લાખ 59 હજાર 680
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 70 હડાર 640
- કુલ મોતઃ 4 લાથ 38 હજાર 560
કેટલા ડોઝ આપવામાં આવ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 30 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં 64 કરોડ 5 લાખ 28 હજારને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે 59.62 લાખ લોકોને રસી અપાઈ હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 52 કરોડ 15 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે, ગઈકાલે 13.94 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી ઓછો છે.