Covid-19 Vaccine: કોરોનાને નાથવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે. ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 90 કરોડને પાર થઈ ગયો હોવાનું આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ છે.
મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, ભારતે 90 કરોડ કોવિડ-19 વેક્સિન ડોઝની સીમાચિહ્ન પાર કર્યું છે. શાસ્ત્રીજીએ જય જવાન – જય કિસાનનો નારો આપ્યો હતો. અટલજીએ જય વિજ્ઞાન જોડ્યું અને પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો. આ અનુસંધાનનું પરિણામ કોરોના વેક્સિન છે.
શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 24,354 નવા કેસ અને 234 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,73889 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 13,834 નવા કેસ નોંધાયા હતા અને 95 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
દક્ષિણના રાજ્ય કેરળમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં કોરોના વાયરસના મહત્તમ નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળના વધતા પોઝિવિટી દરએ રાજ્ય અને કેન્દ્ર સરકારને ચિંતામાં મૂકી દીધાં છે. અત્યારે દેશમાં કોરોનાના નવા કેસોમાં કેરળનો હિસ્સો લગભગ 60 ટકા છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમનો પણ આવી જ સ્થિતિ છે. અહીં પણ પોઝિટિવીટી રેટનો દર ઉંચો છે.
આંકડા અનુસાર, છેલ્લા 14 દિવસમાં કેરળમાં દર 100 કોરોના ટેસ્ટમાં 16 પોઝિટિવ મળી આવે છે. એટલે કે, મહિનાઓ પછી પણ રાજ્યમાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી, મિઝોરમનો પોઝિટિવીટ રેટ 17%થી વધુ છે, ત્યારબાદ સિક્કિમ, મણિપુર અને મેઘાલય છે. જ્યાં પોઝિટિવિટી રેટ 5 થી 8 ટકા છે. આ રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવું અથવા કન્ટેનમેન્ટ ઝોન બનાવવા એ હવે સમયની માંગણી છે.
આંકડા મુજબ 16 થી 29 સપ્ટેમ્બર વચ્ચે દેશનો પોઝિટિવિટી દર બે ટકાથી ઓછો રહ્યો છે. બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા અને ગુજરાત એવા રાજ્યોમાં સામેલ છે જે હાલમાં ઇન્ફેકશનની તપાસ કરી રહ્યા છે. આ રાજ્યોમાં 100 પરીક્ષણો દીઠ પુષ્ટિ થયેલા કેસોની કુલ સંખ્યા ઘટીને 0.006%થઈ છે.