એક કાર્યક્રમમાં બોલતાં પૂનાવાલાએ કહ્યું, રસીકરણ અભિયાન જાન્યુઆરી 2021થી શરૂ થશે. અમને અમારી રસીના ઇમરજન્સી ઉપયોગ માટે ચાલુ મહિનાના અંત સુધીમાં ભારતમાં મંજૂરી મળી જવાની આશા છે. આ મહિનાના અંત સુધીમાં ઇમરજન્સીનું લાયસન્સ મળી જશે પરંતુ બહોળા વપરાશ માટેનું લાયસન્સ મોડું આવશે. તેમણે કહ્યું, એક વખત વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થયા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
એક વખત 20 ટકા ભારતીયોને રસી લાગી ગયા બાદ અમને આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી નોર્મલ લાઇફ ફરીથી પાટા પર આવશે તેવો આશાવાદ છે. આ પછી દરેકને સરળતાથી રસી મળી રહેશે અને સામાન્ય જીંદગી પાટા પર ચડી શકશે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. ભારતમાં એક સમયે દરરોજ 90 હજારની આસપાસ કેસ સામે આવી રહ્યાં હતા. હવે દરરોજ કોરોના કેસ ઘટીને સરેરાશ 30 હજારની આસપાસ આવી રહ્યા છે. જો કે કોરોનાનો ખતરો હજુ ખતમ થયો નથી.
દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 લાખને પાર પહોંચી ગઈ છે. 14 દિવસથી સતત 40 હજારથી ઓછા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 30,254 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 391 લોકોના મોત થયા છે. જો કે, સારા સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 33,136 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કેસ ભારતમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ છે, જ્યારે મોત મામલે દુનિયામાં આઠમાં નંબરે છે.