નવી દિલ્હીઃ  દેશમાં કોરોના બેકાબૂ છે. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કહેરને ઓછો કરવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.  આ ઉપરાંત રસીકરણ પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે  દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. એના માટેનું રજિસ્ટ્રેશન આ 28 એપ્રિલથી સાંજે 4 વાગ્યાથી શરૂ થવાનું હતું. પરંતુ 4 વાગતાં જ કોવિન પોર્ટલ ક્રેશ થઈ ગયું છે. લોકોને આરોગ્ય સેતુ અને ઉમંગ એપ પર પણ આ સમસ્યાનો જ સામનો કરવો પડ્યો. 18થી 44 વર્ષના લોકો રજિસ્ટ્રેશન વગર વેક્સિન નહીં લગાવી શકે. આવામાં પોર્ટલ ક્રેશ થવાથી લોકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


સરકારે વેક્સીન લગાવવા ઈચ્છુક 18થી 45 વર્ષથી વધુના લોકો માટે કોવિન વેબ પોર્ટ પર રજીસ્ટ્રેશન કરવાનું એને વેક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટ લેવાનું ફરજીયાત કર્યું છે અને કહ્યું છે કે વેક્સીન કાર્યક્રમની શરૂઆતમાં અફરાતફરીથી બચવા માટે વેક્સિનેશન કેંદ્રો પર રજીસ્ટ્રેશન કરવામાં નહી આવે. જો કે 45 વર્ષથી વધુના લોકો વેક્સિનેશ કેંદ્ર પર રજીસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ પ્રથમ તબક્કાની માફક જ રહેશે.


આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?


આરોગ્ય સેતુ એપ પર તમને Cowin નું ડેશબોર્ડ દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે લોગઈન/રજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા 10  અંકના મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર OTP આવે તેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ તમારે તમારું નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ 4 અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેક્સિનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમારું મનગમતું સેન્ટર પસંદ કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે.


કોવિન પોર્ટલ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?


કોવિન પોર્ટલ  (www.cowin.gov.in) પર જાઓ.  ત્યારબાદ તમારો 10 આંકડાવાળો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફાય કરો. ઓટીપી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારી પ્રાથમિક જાણકારી જેમ કે નામ, જન્મતિથિ,વગેરે ભરવાની રહેશે. ત્યારબાદ તમારી નજીકનું કોવિડ રસીકરણ સેન્ટર પસંદ કરો. સેન્ટર પસંદ કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસંદ કરો. બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો. તમારું સફળતાથી રજિસ્ટ્રેશન પૂરું થશે.