નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાની રસી તૈયાર કરવાની દિશામાં ભારત પણ આગળ વધી રહ્યું છે. બે ભારતીય કંપનીએ ઉંદર અને સસલા બાદ માનવ પરીક્ષણ શરૂ કર્યુ છે.

દેશમાં પણ કોરોના વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થઈ ચુક્યું છે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું,  સમગ્ર વિશ્વમાં કુલ વેક્સીનનો 60 ટકા સપ્લાઇ કરતા ભારતની કોરોનાની વેક્સીન ચેનમાં મહત્વની ભૂમિકા સુનિશ્ચિત કરી છે. આ દરમિયાન બે સ્વદેશી વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થયાની જાણકારી તેમણે આપી હતી.

ભાર્ગવે કહ્યું, વિશ્વના તમામ દેશ વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવામાં લાગ્યા છે અને તેમાં સફળતા મળી રહી છે. રશિયા તો વેક્સીનનું ટ્રાયલ પૂરું પણ કરી ચુક્યું છે. આ રીતે ચીન, અમેરિકા, બ્રિટન તથા અન્ય દેશો શક્ય તેટલા વહેલી વેક્સીન તૈયાર કરવામાં લાગ્યા છે. દેશમાં ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થઈ ગયા છે.



ભારતની આ બે કંપનીઓ અલગ અલગ જગ્યાએ હજાર-હજાર લોકો પર વેક્સીનને લઈ ક્લિનિક્લ સ્ટડી કરી રહ્યા છે. તેઓ ઉંદર અને સસલા પર પરીક્ષણ કરી ચુકી છે. ગત મહિને ડ્રગ કંટ્રોલર જનરલને ડેટા આપવામાં આવ્યો હતો, જે બાદ આ બંને કંપનીઓને ચાલુ મહિનાની શરૂઆતમાં પ્રારંભિક તબક્કામાં માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી મળી હતી.

ડો. બલરામ ભાર્ગવે કહ્યું, સ્વદેશની વેક્સીનના ફાસ્ટ ટ્રેકને લઈ શક્ય તેટલી વહેલી આમ આદમીને ઉપલબ્ધ કરાવવાની અમારી નૈતિક જવાબદારી છે.