ઉત્તર ભારતના વિસ્તારોમાં મંગળવારે વરસાદ ખાબક્યો હતો તો મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં પુરથી 89000 લોકો પ્રભાવિત થયા છે. ત્યારે આઈએમડીએ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈમાં ખાબકેલા વરસાદથી કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે પણ ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને ઘરમાં જ રહેવા હવામાન વિભાગે સૂચના આપી છે.


આઈએમડીએ મુંબઈ, ઠાણે, પાલઘર અને મહારાષ્ટ્રના દરિયા વિસ્તારોમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. મુંબઈમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જે રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગની સાથે સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે માટે પણ છે. કોલ્હાપુર, સતારા, ઔરંગાબાદ અને જાલના માટે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

આઈએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઓરેન્જ અને યલો એલર્ટ મંગળવારે અને બુધવાર માટે મહારાષ્ટ્રના મરાઠવાડા અને કોંકણ વિસ્તાર માટે જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે મુંબઈ, ઠાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ઘણાં વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે.

મૂશળધાર વરસાદની આગાહીને લઈને આજે મુંબઈમાં ઓરેંજ અલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં મૂશળધાર વરસાદની ચેતવણીને પગલે વીજળી અને પાણીની સપ્લાયને પણ અસર પહોંચી શકે છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાણે, કલ્યાણ, નવી મુંબઈ સહિત તમામ ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે.

આજે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદની આશંકાને પગલે મહારાષ્ટ્રનું પ્રશાસન પણ અલર્ટ બન્યું છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો પણ મળી છે.