લખનઉઃ કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે જનજીવન પાટા પર આવી રહ્યું છે. સ્કૂલ-કોલેજ શરૂ થઈ ગયા છે અને ઓફિસો પણ ખૂલી ગઈ છે. આ દરમિયાન કેરળ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોના કેસ વધતાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
ઉત્તર પ્રદેશ સરકારે ઘરે ઘરે જઈ તાવ પીડિતોની હાલત જાણવાની સાથે તેમના લક્ષણોની તપાસ કરવાનું અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. યૂપી સરકારે જાહેરાત કરી છે કે જરૂરી દવાઓની સાથે તબીબી સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. સ્વાસ્થ્ય કર્મીઓ તાવના લક્ષણોના આધારે કોરોનાની પણ તપાસ કરશે. રાજ્ય સરકારે અનેક રાજ્યોમાં કોરોનાના વધતાં કેસને લઈ આ નિર્ણય કર્યો છે.
સરકારે 45 વર્ષ પૂરી કરી ચૂક્યા હોય અને રસીનો ડોઝ ન લીધો હોય તેવા લોકોનું લિસ્ટ બનાવવા પણ આદેશ કર્યો છે. આ લિસ્ટ તૈયાર થયા બાદ સરકાર આવા લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરશે. સર્વિલાંસ અભિયાન અંતર્ગત સરકાર સ્વાસ્થ્ય કર્મીઓને પ્રશિક્ષણ આપશે. આ માટે યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ પણ આપ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, ઉત્તર પ્રદેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 250 છે. જ્યારે 16,86,276 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 22,825 લોકોના કોરોનાથી મોત થયા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 47,092 નવા કોરોના કેસ આવ્યા અને 509 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 35,181 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,911 એક્ટિવ કેસ વધ્યા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 28 લાખ 57 હજાર 937
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 20 લાખ 28 હજાર 825
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 89 હજાર 583
- કુલ મોતઃ 4 લાખ 39 હજાર 529