નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કેંદ્ર સરકારએ મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં મંગળવાર 24 માર્ચના રાત્રે 12 વાગ્યાથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે. આવતી કાલ એટલે કે મંગળવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ રહેશે. જો કે આ પ્રતિબંધ કાર્ગો ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ એરલાઇન્સને તેમના ગંતવ્ય સ્થાન પર ઉતરાણ કરવાની યોજના તૈયાર કરવાની રહેશે.



ઉલ્લેખનીય છે કે દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક શહેરમાંથી બીજા શહેરમાં મુસાફરી કરી રહેલા કોરોના સંક્રમિત લોકો દ્વારા કોરોના અલગ-અલગ શહેરોમાં ફેલાઈ રહ્યો છે.

કોરોના પોઝિટિવ લોકો દ્વારા લાબા રૂટની ટ્રેનમાં મુસાફરી કરવાના કેસ સામે આવ્યા બાદ ભારત સરકારે દેશભરમાં રેલ સેવા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. માત્ર માલગાડી ટ્રેનો ચાલી રહી છે. મુંબઈ લોકલ ટ્રેન સેવા પણ બંધ છે. ઘણા શહેરોમાં મેટ્રો ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી છે.

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 415 ને પાર કરી ગઈ છે અને 8 લોકોના મોત થયા છે.