Covid Fourth Wave : ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7એ ફરી એકવાર ચીન, અમેરિકા અને જાપાનમાં તબાહી મચાવી છે. ધીમે ધીમે કોરોનાનો આ નવો વેરિએન્ટ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આ ખતરનાક વેરિઅન્ટના કેસ ભારતમાં પણ સામે આવવા લાગ્યા છે. જેને લઈને ભારત સરકાર પહેલેથી જ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જો કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં અત્યાર સુધી કોરોનાને લઈને આવી કોઈ ભયાનક સ્થિતિ ઉભી થઈ નથી. સાથો સાથ દેશમાં કોરોનાની ચોથી લહેરને લઈને પણ ફફડાટ ઉભો થયો છે. 


જાન્યુઆરીમાં કોવિડ-19 કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હવે દેશમાં પણ કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. ભલે આ કેસો નજીવી સંખ્યામાં વધ્યા છે પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે રાજ્યોમાં આ કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં કોરોનાની ચોથા લહેરને લઈને અટકળો તેજ બની છે. આ દરમિયાન દેશના કોવિડ એક્સપર્ટ દ્વારા કોરોનાના નવા વેરિએન્ટને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી લોકો માટે રાહતરૂપ છે.


અન્ય રાજ્યોમાં કેસ સામાન્ય


દેશના મોટાભાગના અન્ય રાજ્યોમાં કેસની સંખ્યા લગભગ સામાન્ય રહી છે. વર્તમાન સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રમાં 168 નવા ચેપ નોંધાયા છે. જે ગત ઠવાડિયાની સરખામણીએ કોરોના સંક્રમણના કેસ ઘણા ઓછા છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં 172 કેસ નોંધાયા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે દિલ્હીમાં કોવિડના 81 કેસ સામે આવ્યા છે. ગત અઠવાડિયે તે આંકડો 72 હતો. બીજી તરફ રાજસ્થાનમાં પણ કોવિડના કેસોની સંખ્યામાં ગત સપ્તાહની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયે 81 કેસ હતા જે આ અઠવાડિયે ઘટીને 48 થઈ ગયા છે. જ્યારે દેશના અન્ય તમામ રાજ્યોમાં 50 થી ઓછા નવા કેસ નોંધાયા છે.


શું કહે છે નિષ્ણાતો?


કાનપુર IIT પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ કોરોનાને લઈને તેમના દાવાઓ માટે પ્રખ્યાત છે. તેણે પોતાના ગાણિતિક ફોર્મ્યુલા મોડલથી કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેર વિશે જે વાતો કહી હતી તે સાચી સાબિત થઈ હતી. દરમિયાન એબીપી સાથેની વાતચીતમાં પ્રોફેસરે મનિન્દ્ર અગ્રવાલે ચીનમાં કોરોના વાયરસના BF.7 વેરિઅન્ટને લઈને કહ્યું છે કે, ભારતના લોકોએ આ વેરિઅન્ટ સામે લડવા માટે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે.


જેના કારણે ભારતમાં લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, હજુ પણ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. પ્રોફેસર અગ્રવાલે એમ પણ જણાવ્યું હતું કે, જુલાઈમાં જ ભારતમાં BF.7 વેરિઅન્ટની શોધ થઈ હતી અને ત્યાર બાદ અહીં કોઈ ખાસ અસર જોવા મળી નથી. ભારતમાં કોવિડ અંગે વાઈરોલોજિસ્ટ ગગનદીપ કાંગના જણાવ્યા અનુસાર, ભારતમાં જે લોકોએ રસી લીધી છે. તેમને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.


કોરોના નિષ્ણાતોના આ દાવા ભારતીયો માટે રાહત રૂપ છે. જોકે સાથો સાથ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે, તેને હળવાશથી ન લેવામાં આવે અને સાવધાની સાથે કોવિડ નિયમોનું પાલન કરવું હિતાવહ રહેશે.