Delhi Girl Accident: દિલ્હીના કાંઝાવાલા કેસમાં નિત નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે આ કેસમાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી અકસ્માત સ્થળથી 150 મીટર દૂરના છે. સીસીટીવીમાં મૃતકની મિત્ર નિધિ અકસ્માત બાદ ત્યાંથી ભાગતી જોવા મળે છે. ફૂટેજમાં સમય બપોરે 2.00 કલાકે જોવા મળે છે. જેને લઈને હવે આખા કેસમાં નવો વળાંક સામે આવી શકે છે. કાંઝાવાલાની ઘટનામાં કરૂણ રીતે મૃત્યુ પામેલી 20 વર્ષીય અંજલિ સિંહ સાથે અકસ્માત થયો સમયે તેની સાથે બીજી જે યુવતી હતી તે નિધિ હતી જે સ્કૂટી પર સવાર હતી. દિલ્હી પોલીસે નિધિનું નિવેદન ગઈ કાલે મંગળવારે નોંધ્યું હતું.


પોલીસે જણાવ્યું હતું કે, આ યુવતી કે જેનું નામ નિધિ છે તે મૃતક અંજલિની મિત્ર છે અને તેને અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે અંજલિનું કારની નીચે લગભગ 12 કિલોમીટર સુધી ઢસડાવવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે, તે (મૃતકની મિત્ર) અકસ્માત બાદ ડરી ગઈ હતી અને ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી.


હવે ઘટના ઘટી તે રાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં નિધિ અકસ્માત બાદ ભાગીને ઘરે જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. નિધિને લઈને હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. ઘટનાને લઈને દિવસભર ટીવી ચેનલો પર તેમના નિવેદનો આપ્યાં હતાં પરંતુ હવે નિધિના દાવાઓ પર જ સવાલો ઉભા થઈ રહ્યા છે. નિધિએ દાવો કર્યો હતો કે, ઘટના ઘટી તે રાત્રે અંજલિ નશામાં હતી. તેના કારણે સ્કૂટી પણ સરખી રીતે ચાલી નહોતી રહી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા નિધિના આ દાવાઓ પર જ સવાલ ઉભા થયા છે. ઘટનાની રાતના નિધિના ઘરે પહોંચવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તેના હાવ-ભાવ સસ્પેન્સ વધારી રહ્યા છે. શું નિધિ ખોટું બોલી રહી છે? શું આ સાદો હિટ એન્ડ રન કેસ નથી પણ એક હત્યાનો મામલો છે જેવા કે અંજલિના પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યાં છે? આમ આ મામલે અનેક પ્રકારના સવાલ ઉભા થઈ રહ્યાં છે. 






CCTV અને સસ્પેન્સમાં નિધિની હરકતોને લઈ સસ્પેન્સ


આ જીવલેણ અકસ્માત બાદ જ્યારે નિધિ અડધી રાત્રે ઘરે પહોંચી ત્યારે તે પડોશના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં નિધિ પિંક કલરનું જેકેટ પહેરેલી જોવા મળે છે. ફૂટેજમાં નિધિની બોડી લેંગ્વેજ પરથી જરાય નથી લાગતું કે તે એક અકસ્માતમાંથી બચીને પાછી ફરી છે. એટલું જ નહીં આ અકસ્માતમાં તેની મિત્રએ જીવ ગુમાવ્યો હતો. તે ઘરનો દરવાજો ખટખટાવતી જોવા મળે છે. જ્યારે દરવાજો નથી ખુલતો ત્યારે તે ત્યાંથી થોડે આગળ જાય છે અને બાદમાં ફરી એકવાર પાછી ફરે છે અને ફરીથી ઘરનો દરવાજો ખોલાવે છે. 


તેવી જ રીતેને નિધિના પડોશમાં રહેતા રાહુલ અને તેના ભાઈએ એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે, તે રાત્રે તેઓ જાગતા હતા અને તાપણું તાપી રહ્યા હતા. રાહુલ કહે છે કે તે રાત્રે તેણે નિધિને જોઈ હતી. નિધિએ ઘણો સમય સુધી ઘરનો દરવાજો ખખડાવ્યો, પણ દરવાજો ન ખૂલ્યો. આ પછી તેણે મૃત મોબાઈલ ઘરમાં ચાર્જ કરવા માટે રાખ્યો અને પછી ઘરનો દરવાજો ખખડાવ્યો. આ પછી તે મોબાઈલ લઈને ઘરે ગઈ હતી. રાહુલે આ મામલે કહ્યું હતું કે, એ રાતે તેમણે નિધિને જોઈ હતી. નિધિએ ઘણો સમય સુધી દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો કોઈએ ખોલ્યો નહોતો. ત્યાર બાદ તે મોબાઈલ લઈને ઘરમાં જતી રહી હતી. રાહુલે આગળ ઉમેર્યું હતું કે, વાતચીત પરથી તેને સહેજ પણ ખ્યાલ નહોતો આવ્યો કે તે જીવલેણ અકસ્માતમાંથી બચીને પાછી ફરી રહી છે.


જ્યારે પહેલીવાર નિધિના ઘરે પહોંચવાના CCTV ફૂટેજ સામે આવ્યા ત્યારે તેના પર રેકોર્ડ કરવામાં આવેલા સમયને લઈને સવાલો ઉભા થયા હતા. ફૂટેજ રાત્રે 1:36 વાગ્યે રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત રાત્રે 2-2:30 વાગ્યે થયો હતો. આ સ્થિતિમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે જ્યારે તે અકસ્માત પહેલા જ ઘરે પહોંચી ગઈ હતી? તો પછી તેનો સ્થળ પર હાજર હોવાનો દાવો સાચો કે ખોટો? પરંતુ સીસીટીવીની ટાઈમ સ્ટેમ્પ લગભગ 45 મિનિટ ધીમી હતી, તેથી આ પ્રશ્નોને નકારી કાઢવામાં આવ્યા હતા.


સીસીટીવી ફૂટેજ પરથી નિધિની મળી જાણકારી


પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના મિત્રએ અકસ્માત વિશે કોઈને જણાવ્યું નહોતું. પરંતુ સીસીટીવી ફૂટેજની મદદથી નિધિને શોધી કાઢવામાં આવી હતી. અંજલિની મિત્ર નિધિ મંગળવારે પોલીસને પોતાનું નિવેદન આપ્યા બાદ મીડિયા સામે આવી હતી. નિધિએ કહ્યું હતું કે, કારે અમને સામેથી ટક્કર મારી હતી. અકસ્માતમાં નિધિ એક તરફ પડી ગઈ હતી જ્યારે અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી.