નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું કે, કોરોનાના કેસ વધવાની ગતિ ધીમી પડી છે. દેશમાં કોરોનાના કેસ ડબલ થવાના સમયમાં સુધારો થયો છે. મધ્ય ઓગસ્ટમાં જ્યાં 25.5 દિવસમાં કેસ બે ગણા થતા હતા ત્યાં હવે આ આંકડો અંદાજે 73 દિવસનો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આ જાણકારી આપી.


ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ફ્રન્ટલાઇન વકર્સ અને કોરોના વોરિયર્સની નિ:સ્વાર્થ સેવાના કારણે પણ કોરોનાના કેસો ડબલ થવાના દરમાં સુધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક જ દિવસમાં અનુક્રમે19000 અને 8000 દર્દીઓ સાજા થઇ રહ્યાં છે.

મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 81514 લોકો સ્વસ્થ્ય થયા છે. એવામાં કોરિડથી સાજા થયેલ દર્દીની કુલ સંખ્યા અંદાજે 64 લાખ (63,83,441) થઈ ગઈ છે. ઓગસ્ટ મધ્યમાં કેસ 25.5 દિવસમાં ડબલ થઈ રહ્યા હતા જે હવે અંદાજે 73 દિવસ લાગી રહ્યા છે. સ્વસ્થ્ય થવાનો એટલે કે રિકવરી રેટ પણ દેશમાં 87 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં આજે 66460 નવા કેસ સાથે અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 73,65,111 થઇ છે. બીજી તરફ આજે 73855 લોકો સાજા થતા કુલ સાજા થયેલા લોકાની સંખ્યા 64,47,162 થઇ છે. આજે કોરોનાને કારણે સમગ્ર દેશમાં 868 લોકોના મોત થતાં અત્યાર સુધીનો મૃત્યુ આંક 1,12,090 થયો છે.