Coronavirus in Maharashtra: દેશભરમાં કોરોના વાયરસ કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ના કેસમાં વધારો જોવા મળ્યો છે.






મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે બે લોકો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5 થી સંક્રમિત જોવા મળ્યા હતા. બંને દર્દીઓના સેમ્પલ NIV પુણેમાં મોકલવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને સંક્રમિત મહારાષ્ટ્ર બહારના છે. હાલમાં તે વ્યવસાયિક કારણોસર પુણેના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.


બંને જણા દુબઈથી પરત ફર્યા છે


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દુબઈથી પરત ફરતી વખતે પુણે એરપોર્ટ પર નિયમિત તપાસમાં તે બંને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બંન્ને દર્દીઓમાં  કોઇ પણ પ્રકારના કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. તેઓ આઈસોલેશન દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગયા છે.


ઓમિક્રોન સબ-વેરિઅન્ટ કેસમાં વધારો


આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ વેરિઅન્ટના કેસોમાં ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ વેરિઅન્ટના કેસની સંખ્યા 160 પર પહોંચી ગઈ છે. જેમાં પુણેમાં 93, મુંબઈમાં 51, થાણેમાં 5, નાગપુરમાં 4, પાલઘરમાં 4 અને રાયગઢમાં 3નો સમાવેશ થાય છે.


શુક્રવારે મહારાષ્ટ્રમાં 2,515 નવા કેસ નોંધાયા હતા


દરમિયાન, મહારાષ્ટ્રમાં શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાવાયરસના 2,515 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19 સંક્રમણને કારણે છ લોકોના મોત પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં 2,449 નો વધારો થયો છે.