West Bengal SSC Recruitment Scam: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે મંત્રી પાર્થ ચેટર્જી સહિત કેટલાક મંત્રીઓ, સરકારી અધિકારીઓ, બ્રોકરો અને ખાનગી વ્યક્તિઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 20 કરોડથી વધુની રોકડ, વિદેશી ચલણ અને સોનું વગેરે જપ્ત કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇડીના દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે દરોડા પાડનારાઓમાં પશ્ચિમ બંગાળના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પાર્થ ચેટર્જી, પૂર્વ શિક્ષણમંત્રી પરેશ અધિકારી, પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને તત્કાલીન શિક્ષણમંત્રી ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય, તત્કાલિન શિક્ષણમંત્રીના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી પીકે બંદોપાધ્યાય અને તત્કાલિન મંત્રીના અંગત સચિવ સુકાંતા આચાર્જીનો સમાવેશ થાય છે.
ટીએમસીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ કૌભાંડથી પોતાને અલગ કરી દીધી છે. કહેવામાં આવ્યું છે કે ટીએમસીને આ પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. તપાસમાં જેના નામનો ખુલાસો થયો છે તેમનું અને તેમના વકીલોનું કામ જવાબ આપવાનું છે. ટીએમસી હાલમાં સમગ્ર મામલાને નજીકથી જોઈ રહી છે. જ્યારે સમય આવશે ત્યારે પ્રતિક્રિયા આપવામાં આવશે.
EDએ અર્પિતા મુખર્જીના સ્થળો પર દરોડા પાડ્યા હતા. અર્પિતા મુખર્જી મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પૂર્વ અધ્યક્ષ કલ્યાણમોય ગાંગુલી, પશ્ચિમ બંગાળ કેન્દ્રીય શાળા સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ સૌમિત્રા સરકાર, શાળા શિક્ષણ વિભાગના નાયબ સચિવ આલોક કુમાર સરકાર, શિક્ષકોની નોકરી વેચતો એજન્ટ ચંદન મંડલ ઉર્ફે રંજનનો સમાવેશ થાય છે.
20 મોબાઈલ મળી આવ્યા
EDનો દાવો છે કે આ દરોડા દરમિયાન અર્પિતા મુખર્જીના સ્થળો પરથી 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી હતી. ઇડીને શંકા છે કે આ રકમ સ્ટાફ સિલેક્શન કમિશન કૌભાંડ સાથે સંબંધિત હોઈ શકે છે. આ રકમની ગણતરી માટે EDની ટીમે બેંક અધિકારીઓ અને નોટ ગણવાના મશીનની મદદ લીધી હતી. આ સિવાય તેના ઠેકાણામાંથી 20 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. અર્પિતાએ આટલા બધા ફોન કેમ વાપર્યા? આ સંદર્ભે પણ તપાસ ચાલી રહી છે.
EDના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો, શંકાસ્પદ કંપનીઓની માહિતી, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, વિદેશી ચલણ અને સોનું વગેરે પણ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા છે.
સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઇડી આ મામલાની તપાસ કરી રહ્યું છે. કોલકાતા હાઈકોર્ટ દ્વારા આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં ટૂંક સમયમાં ઘણા નેતાઓ અને સરકારી અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.