નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા ખતરાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે દિલ્હી સરકારે રાજધાનીમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે. સાથે દિલ્હીમાં કોરોનાના 20 હૉસ્ટપોટ સીલ કરી દેવામાં આવ્યા છે. આ જગ્યાએ ડોર ટૂ ડોર સપ્લાઈ કરવામાં આવશે.

મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કરી કે, “માસ્ક પહેરવાથી કોરોના વાયરસનો ફેલાવો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તેથી, નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઘરની બહાર નીકળતા જ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ક્લોથ માસ્ક પણ ઉપયોગમાં લઈ શકાશે.”



દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું કે, દિલ્હીમાં કોરોના વાયરસના કુલ હોટસ્પોટની ઓળખ થઈ છે. આ વિસ્તારમાં કોઈને પણ પ્રવેશ કરવા કે બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



દિલ્હીમાં આજે કોરોનાના 93 નવા કેસ નોંધાયા છે તેની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 669 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 9નાં મોત થયા છે.