કોલકાતાઃ લોકડાઉનના કારણે કેરળ બાદ વધુ એક રાજ્યએ દારૂની હોમ ડિલિવરી કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલિવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના એકસાઇઝ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી કરવી કોઈ ગુનો ન હોવાની જોગવાઈ છે.

લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ડિલિવરી સાથે સંકળાયેલા લોકોને પાસ આપવામાં આવશે. રાજ્યમાં બપોરે 2 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે. આ માટે દારૂ ખરીદવા ઈચ્છતા લોકોએ નજીકની લિકર શોપમાં સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ફોન દ્વારા બુકિંગ કરાવવું પડશે.


આ પહેલા કેરળમાં લોકડાઉન દરમિયાન દારૂ ન મળતાં કેટલાક લોકોએ આત્મહત્યા કરી હતી. જે બાદ રાજ્ય સરકારે દારૂની ઓનલાઈન પરમિટ ઈસ્યુ કરવાની જાહેરાત કરી હતી. કેરલ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણય પર રોક લગાવી દીધી હતી, જે હેઠળ સરકારે દારૂ પીનારા એ લોકોને વિશેષ પાસ આપ્યા હતા. જેમની પાસે આબકારી વિભાગ પાસેથી દારૂ ખરીદવા માટે ડોક્ટરની રિસિપ્ટ હતી. હાઇકોર્ટે ત્રણ સપ્તાહ સુધી આ રોક લગાવી છે.