શ્રીનગર: કોરોના વાયરસના કહેરને લઈને જમ્મુ અને સાંબા જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાને 31 માર્ચ સુધી તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં તમામ બાયોમેટ્રિક હાજરીને 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસના બે દર્દીની રિપોર્ટ પોઝિટિવ હોવાની શક્યતા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર બંને દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.


કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા આ પગલા ઉઠાવવામાં આવ્યા છે. કારણ કે તેનાથી ઈંફેક્શન થવાનો ખતરો છે. એક મશીનના માધ્યમથી હાજરી પૂરવાથી જો કોઈમાં કોરોનાના લક્ષણ હોય તો તે વાયરસ બીજામાં ફેલાઈ શકે છે.

ચીનના વુહાનની શરૂ થયેલો ખતરનાક કોરોના વાયરસ ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 3200ને પાર થયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે.