નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યામાં રામ લલાના દર્શન કરશે પરંતુ કોરોના વાયરસના કારણે સુરક્ષાના કારણોસર સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ નહીં લે. મહારાષ્ટ્રમાં સરકાર બન્યાના 100 દિવસ બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે. આ જાણકારી શિવસેના નેતા સંજય રાઉતે આપી છે.

ઉદ્ધવ ઠાકરે પહેલા સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ લેવાના હતા પરંતુ કોરોના વાયરસના કારણે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી મોટી જન સભા આયોજિત ન કરવાની અપીલ કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રીની એડવાઈઝરી બાદ આરતી નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેના આ પ્રવાસનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તે ઘણા સ્વાગત કરી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસએ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યામાં સ્વાગત કર્યું. પરંતુ હિંદુ મહાસભા અને કેટલાક સાધુ સંતોએ ઉદ્ધવ ઠાકરેનો અયોધ્યા નગરીમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. હનુમાનગઢીના મહંત રાજૂ દાસના મુજબ મુખ્યમંત્રી એક શ્રદ્ધાળુ તરીકે અયોધ્યા આવે છે તો તેમનું સ્વાગત છે પરંતુ રામના નામે રાજકારણ થશે તો તેમનો વિરોધ થશે.

જ્યારે વીએચપી પણ ઉદ્ધવ ઠાકરેના ભાજપ સાથેના ગઠબંધનને તોડવાના નિર્ણયનો વિરોધ કર્યો અને તેમના રામ મંદિરના પ્રવાસને રાજકારણ ગણાવ્યું છે. વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ તો ત્યાં સુધી કહ્યું કે શિવસેનાનું રામ મંદિર નિર્માણના સંધર્ષમાં યોગદાન ખૂબ ઓછું છે. જ્યારે હિંદુ મહાસભાના કેટલાક લોકો મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેને કાળા ઝંડાઓ દેખાડવાની યોજના બનાવી રહ્યા છે.