વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. આ મહામારી દરમિયાન અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સીન ડેવલપમેન્ટમાં પણ મદદ કરી રહ્યા છીએ. અમે મળીને અદ્રશ્ય શત્રુને હરાવીશું.”


હાલમાં જ અમેરિકાએ કોરોના વાયરસને રોકવા માટે ભારતને વધારાના ત્રણ મિલિયન અમેરિકન ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલા હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને USAIDના માધ્યમથી ભારતને 5.9 મિલિયન અમેરિકન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે, અમેરિકા કોરોના વાયરસને રોકવા માટે પોતાની આર્થિક મદદની આયોજનાને PAHAL પ્રોજેક્ટના નામથી ચલાવી રહીછે. અમરિકાએ હાલમાં જ માત્ર ભારત જ નહીં પરંતુ તમામ અન્ય દેશોને કોરોના વાયરસને રોકવા માટે મોટી આર્થિક મદદની જાહેરાત કરી છે. ત્યારે એવા આરોપ પણ લાગ્યા હતા કે અમેરિકાએ ભારત કરતાં બે ગણી મદદની જાહેરાત પાકિસ્તાન માટે કરી હતી.

ટ્રમ્પ દ્વારા વાયરસના મામલે વહિવટી તંત્રમાં નિયુક્ત કરવામાં આવેલા એક દવા કાર્યકારી મોનસેપ સ્લોઇએ કહ્યું કે અમારો પ્રયત્ન વર્ષ 2020ના અંત સુધી રસી તૈયાર કરવાનો છે. રોજ ગાર્ડનના એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું કે તે રાજ્યોને આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાની સાથે તેને આગળ વધતાં જોવા માંગે છે.