પટના: કોરના વાયરસના કહેરના કારણે બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ સરકારી પાર્ક, થિયેટર અને મ્યૂઝિયમ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બિહારની નીતીશ કુમાર સરકારે કોરોના વાયરસના ખતરાને જોતા આ નિર્ણય કર્યો છે. આજે પટનામાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કોરોના વાયરસની ભયાનક સ્થિતિને જોતા હાઈ લેવલ બેઠક કરી હતી. આ બેઠક બાદ મુખ્ય સચિવ દીપક કુમારે જાણકારી આપી કે બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે.



અત્યાર સુધીમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સરકારી તંત્ર પર લાગુ થશે. પ્રાઈવેટ સેક્ટરને લઈને સોમવારે જાણકારી આપવામાં આવશે. નીતીશ કુમાર સરકારે નિર્ણય કર્યો છે કે સરકારી સ્કૂલની મિડ ડે મિલની રકમ તેમના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. આંગણવાડીમાં બાળકોના ખાવાના પૈસા પણ તેમના વાલીઓને ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. રાજ્યમાં જેટલા પણ સાંસ્કૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે તેને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે.

નેપાળને અડીને આવેલા વિસ્તારમાં દરેક જગ્યાએ કડક તપાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે અને મહત્વપૂર્ણ હોસ્પિટલમાં 100 બેડ વધારવામાં આવશે. સરકારી કાર્યાલયમાં આવનારા કર્મચારીઓ માટે આદેશ આવવાના છે કે એક દિવસ અડધા અને બીજા દિવસે અડધા કર્મચારીઓને બોલાવવામાં આવે એટલે કાર્યાલયમાં ભીડ ન થાય.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તના 76 જેટલા કેસ સામે આવ્યા છે પરંતુ હવે દેશમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષીય દર્દીનું જ્યારે મોત થયું ત્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવી આશંકા હતી બાદમાં તપાસ દરમિયાન તે ચેપગ્રસ્ત હોવાનું સાબિત થયું હતું.