નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકો પરેશાન છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1099 થઈ છે. દિલ્હી, તમિલનાડુ,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પહેલાથી જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એક હજારને પાર પહોંચી છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરના સંક્રમિતની સંખ્યા 3 હજારને પાર પહોંચી છે.


મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત વધુ 34 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજયમાં 3 હજાર 236 લોકો કોરોના પોઝિટિવ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 194થી વધુ લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે.

રાજસ્થાનમાં કોરોનાનો હૉટસ્પોટ જિલ્લો ભીલવાડાના લોકોએ કોરોનાને માત આપી છે. વધુ બે દર્દી સાજા થતાં જિલ્લા એક પણ હૉસ્પિટલમાં કોરોનાનો દર્દી નથી. કોરોનાને માત આપવા દેશભરમાં ભીલવાડા મૉડલ પર એક્શન પ્લાન બન્યો છે.