Coronavirus Today : નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારતમા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. એવામાં જે રીતે કેસો ફરી વધી રહ્યા છે તે આ ચેતવણીના સંકેત પણ આપી રહ્યા છે. કોરોના વાયરસના નવા કેસ ફરી 40 હજારને પાર જતા રહ્યા છે. તે સાથે જ એક્ટિવ કેસો પણ એટલી જ ઝડપથી વધવા લાગ્યા છે. જેને પગલે ત્રીજી લહેરની ચેતવણી સાચી ઠરી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,759 નવા કેસ નોંધાયા છે અને 31,374 લોકો સાજા થયા છે. જ્યારે 509 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા 44658 કેસ સામે આવ્યા હતા. આ સાથે જ એક્ટિવ કેસો પણ વધીને 3.59 લાખને પાર પહોંચી ગયા છે. એટલુ જ નહીં આ સપ્તાહે એક્ટિવ કેસની ટકાવારી 1 ટકા હતી તે હવે વધીને 1.06 ટકાએ પહોંચી ગઇ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3,26,49,947
- કુલ રિકવરીઃ 3,18,52,802
- ઓક્ટિવ કેસઃ 3,59,775
- કુલ મૃત્યુ આંકઃ 4,37,370
કેટલા લોકોનું થયું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં કુલ 62,29,89,134 લોકોનું રસીકરણ થયું છે. છેલ્લા 24 કલાકમાં જ રેકોર્ડબ્રેક 1,03,35,290 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. કોરોનાના એક્ટિવ કેસોમાં વધારાનું એક કારણ એ પણ છે કે નવા કેસોની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા વધવાને બદલે ઘટના લાગી છે. કોરોનાના દૈનિક કેસ 40 હજાર પાર જઇ રહ્યા છે જ્યારે રિકવર થનારાની સંખ્યા 32 હજારની આસપાસ જ છે. એવામાં જે રાજ્યોમાં કેસો વધશે ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.
આ મહિનાના મધ્યમાં કોરોનાના દૈનિક કેસ પાંચ મહિનામા સૌથી ઓછા માત્ર 25 હજાર નોંધાયા હતા, જોકે છેલ્લા ચાર દિવસથી કોરોનાના દૈનિક કેસોએ ઉથલો માર્યો છે. કેરળમાં સ્થિતિ સ્ફોટક થવા લાગી છે, છેલ્લા એક સપ્તાહમાં દેશભરના કેસોના 60 ટકા નવા મામલા કેરળમાં જ નોંધાયા છે.