નવી દિલ્હી: દેશમાં વધતા કોરોનાના પ્રકોપ વચ્ચે બુધવારે કેન્દ્રની મોદી સરકારે લોકોને રાશનને લઇને મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશના 80 કરોડ લોકોને સસ્તા દરે રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દેશના 80 કરોડ લોકોને દર મહિને સાત કિલો પ્રતિ વ્યક્તિ ત્રણ મહિના એડવાન્સ રાશન આપશે જાવડેકરે કહ્યું કે, સરકારે 80 કરોડ લોકોને 27 રૂપિયે પ્રતિ કિલો ઘઉં ફક્ત 2 રૂપિયે પ્રતિ કિલોમાં અને 37 રૂપિયે કિલોગ્રામવાળા ચોખા ત્રણ રૂપિયે પ્રતિ કિલોગ્રામમાં આપવાનો નિર્ણય લીધો છે. જેના પર 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.


જાવડેકરે કહ્યું કે કોરોના સામે લડવા માટે ત્રણ-ચાર રીતો છે. ઘરમાં જ રહો, કોઇ કામ કરતા પહેલા હાથ ધોવો, વારંવાર હાથ ધોવો. શરદી, તાવ અને ઉધરસ થવા પર ડોક્ટરની સલાહ લો અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો.



ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 40 લોકો રિકવર થઈ ચુક્યા છે.