નવી દિલ્હીઃ હાલ વિશ્વભરના દેશો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. ભારતમાં ગઈકાલ સાંજ સુધીમાં 250 કેસો નોંધાઈ ચુક્યા છે અને આ વાયરસનો ગુજરાતમાં પણ પગપેસારો થઈ ગયો છે. ભારતમાં આ રોગ વધારે વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે જનતાને સંબોધન કરીને રવિવાર, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. જોકે તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે.



ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 7 થઈ છે. અમદાવાદમાં 3, વડોદરામાં 2, સુરત અને રાજકોટમાં 1-1 કેસ સામે આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક શહેરોમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા હોવાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી શકે છે.

વિદેશમાં અને ખાસ કરીને ઈટાલીમાં જે રીતે મૃત્યુઆંક વધી રહ્યો છે તેને લઈ વિદેશમાં જ નહીં ભારતીયોમાં ડર જોવા મળી રહ્યો છે. લોકો સતર્ક બની જતાં સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જાહેર રસ્તાઓ પર ટ્રાફિક પણ નહીંવત થઈ ગયો છે.

મહારાષ્ટ્રના મોટા શહેરો મુંબઈ, નાગપુર, પુણે, પિપંરી, ચિંચવાડને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત સહિત દેશના ઘણા અન્ય રાજ્યોમાં પણ મોલ, થિયેટર, પાર્ક બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.