હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાયરસ નવેમ્બર-ડિસેમ્બર 2019થી જ ફેલાવાનો શરૂ થઈ ગયો હોવાનો વૈજ્ઞાનિકોને અંદાજ છે. ભારતમાં કોરોના વાયરસ ઈન્ડિયન સ્ટ્રેન MRCA (મોસ્ટ રિસેંટ કોમન એન્સેસ્ટર) 26 નવેમ્બર અને 25 ડિસેમ્બર વચ્ચે પેદા થયાનો અંદાજ છે. હૈદારબાદ સ્થિત સેંટર પોર સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીના વૈજ્ઞાનિકોનું આમ કહેવું છે.


દેશના ટોપ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોનું માનવું છે કે વુહાનથી નીકળેલા કોરોના વાયરસ 11 ડિસેમ્બરથી ફેલાઈ રહ્યો હતો. એમઆરસીએ નામની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો કે તેલંગાણા અને ભારતના અન્ય રાજ્યોમાં વાયરસની જે સ્ટ્રેન ફેલાઇ રહી છે તે તેનો ઉદભવ 26 નવેમ્બર અને 25 ડિસેમ્બર વચ્ચે થયો હતો.

સીસીએમબીના વૈજ્ઞાનિકોએ ન માત્ર કોરોના વાયરસના ટાઇમિંગનો અંદાજ લગાવ્યો છે પરંતુ એક નવા સ્ટ્રેનની પણ ખબર પડી છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા સ્ટ્રેનને ક્લેડ I/A3i નામ આપ્યું ચે. આ નવી સ્ટ્રેન મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, દિલ્હી સહિત દેશભરમાં મોટાપાયે ફેલાઇ રહી છે.

સીસીએમબીના ડિરેકટર ડો. રાકેશ મિશ્રાએ કહ્યું, ભારતમાં સામે આવેલા પ્રથમ કોરોના કેસ વુહાન શહેર સાથે સંકળાયેલો હતો. પરંતુ હૈદરાબાદમાં કોરોનાની જે નવી સ્ટ્રેન શોધવામાં આવી છે તેના મૂળ ચીનમાં નથી. આ સ્ટ્રેન દક્ષિણ-પૂર્વ એશિયાના કોઈ દેશ સાથે સંકળાયેલું છે.

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ કેરળમાં નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 પર પહોંચી છે. 6705 લોકોના મોત થયા છે અને 1,04,107 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,06,737 એક્ટિવ કેસ છે.