નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે અર્થતંત્રને ફરીથી ધબકતું કરવા અનલોક-1 મોટાપાયે છૂટછાટ આપવામાં આવી છે. તેની સાથે કોરોનાના કેસમાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ઓડિશા સરકારે જૂન, 2020 દરમિયાન શનિવાર અને રવિવારે રાજ્યના કેટલાક જિલ્લામાં શટડાઉનનો નિર્ણય કર્યો છે.


ઓડિશા સરકારના જણાવ્યા પ્રમાણે, જૂન 2020માં શનિવાર અને રવિવારે રાજ્યના ગંડમ, પુરી, નાયાગ્રહ, ખોરડા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપદા, જાજપુર, ભદ્રક, બાલાસોર અને બાલનગિર જિલ્લામાં શટડાઉન રહેશે. માત્ર ઈમરજન્સી અને પબ્લિક સર્વિસને છૂટ આપવામાં આવશે.


ઓડિશા સરકારના ઈન્ફોર્મેશન અને પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, રાજ્યમાં કોવિડ-19ના વધુ 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2478 પર પહોંચી છે, જેમાંથી 1053 એક્ટિવ કેસ છે.


ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 9304 નવા કેસ નોંધાયા છે અને 260 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 પર પહોંચી છે. 6705 લોકોના મોત થયા છે અને 1,04,107 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,06,737 એક્ટિવ કેસ છે.