નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે દેશભરમાં ત્રણ મે સુધી લોકડાઉન લાગુ છે પરંતુ આ વચ્ચે મોદી સરકારે લોકોને એક મોટી રાહત આપતા શનિવારે તમામ પ્રકારની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. જેમાં જરૂરી અને બિન જરૂરી સામાનની દુકાનો સામેલ છે. આ દુકાનોમાં કામ કરનારા લોકોને માટે પણ દિશા નિર્દેશ જાહેર કરાયા છે.




ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ ગ્રીન ઝોન વિસ્તાર માટે છે. જે વિસ્તારોને  હોટસ્પોટ લાગુ કરવામાં આવ્યા છે ત્યાં આદેશ લાગુ થશે નહીં.ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારની આવાસીય કોલોનીઓ પાસે બનેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક આદેશમાં કહ્યું કે, નગરપાલિકા વિસ્તારમાં અને તેની નજીકમાં આવેલ તમામ સિંગલ દુકાનોને બંધ દરમિયાન ખોલવાની મંજૂરી હશે. જોકે, નગર નિગમના વિસ્તારમાં શોપિંગ કોમ્પલેક્સ કે મોલ ત્રણ મે સુધી બંધ રહેશે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દુકાન અને પ્રતિષ્ઠાન અધિનિયમ અંતર્ગત રજિસ્ટર્ડ દુકાનને ખોલવાની મંજૂરી મળશે. સાથે સ્પષ્ટ કર્યું હતુ કે, હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇ પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. મલ્ટી અને સિંગલ બ્રાન્ડના મોલ્સમાં આવેલી દુકાનોને છૂટ મળશે. નગર નિગમ ક્ષેત્રમાં માર્કેટ પરિસરમાં આવેલી દુકાનો ત્રણ મે સુધી બંધ રહેશે.