નવી દિલ્હીઃ કોરોના વાયરસના દેશભરમાં લાગુ લોકડાઉનના બીજા તબક્કામાં ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ ના હોય તેવા વિસ્તારોમાં કેટલીક રાહતો આપી છે. જેમાં શહેરી ક્ષેત્રોમાં બ્રેડ ફેક્ટરી, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, અનાજ દળવાની ઘંટીને મંજૂરી આપવામાં આવી હતી.

તે સિવાય હેલ્થ મિનિસ્ટ્રીએ કોરોનાના દર્દી અથવા  અથવા સંદિગ્ધ દર્દીના મોત બાદ તેમના મૃતદેહને વિદેશથી લાવવા અંગે ગાઈડલાઈન જારી કરી છે. ગાઇડલાઇન અનુસાર, કોરોનાથી થયેલા મોત અને શંકાસ્પદ દર્દીના મોતના કેસમાં મૃતદેહ ભારત લાવવા માટે સલાહ આપવામાં આવતી નથી. તેમ છતા કોઈ પણ મૃતદેહ ભારતના કોઈ પણ એરપોર્ટ પર લાવવામાં આવે છે તો કેટલીક કાળજીઓ રાખવાની રહેશે.

ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશથી લાવવામાં આવતા મૃતદેહનું ડેથ સર્ટીફિકેટ જરૂરી બનશે. તે સિવાય ભારતીય દૂતાવાસ કે ઉચ્ચાયોગ કે કોન્સ્યુલેટ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ લાવવાનું ફરજિયાત રહેશે. જે લોકો મૃતદેહની પેટી લઈ જશે તેમને 28 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તે સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદની રાખથી કોઇ નુકસાન પહોંચતું નથી જેથી તેને લાવી શકાશે.