Covid 19 In India:  ભારતમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. આગામી 10-12 દિવસ સુધી કેસ વધી શકે છે અને તે પછી ઘટી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. કોરોના હવે આપણી વચ્ચે રહેશે, પરંતુ તેની અસર બહુ ખતરનાક નહીં હોય. જોકે સાવધાની રાખવી જરૂરી છે.


સૂત્રોનું કહેવું છે કે દેશના ઘણા ભાગોમાં કોવિડના કેસ વધી રહ્યા હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે. ઓમિક્રોન સબ-વેરિઅન્ટ XBB.1.16ના કારણે કેસોમાં ઉછાળો આવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે.


શરદી, ઉધરસ અને તાવ સહિતના હળવા લક્ષણોને કારણે ઘણા લોકો કોવિડ-19 માટે પોતાનું પરીક્ષણ પણ કરાવતા નથી. ડોકટરોએ કહ્યું કે ફ્લૂ જેવા લક્ષણોના કિસ્સામાં, જો પરીક્ષણ ન કરવામાં આવે તો પણ, જ્યાં સુધી લક્ષણો ઓછા ન થાય ત્યાં સુધી બે થી ત્રણ દિવસ અલગ રહેવું વધુ સારું છે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7830 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસનો આંકડો 40,215 પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,31,016 પર પહોંચ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 4,42,04,771 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં રસીકરણનો આંકડો 220,66,24,326 પર પહોંચ્યો છે.


કોરોના સંક્રમણના મામલા ફરી એકવાર હાહાકાર મચાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં લોકોની ચિંતા વધી રહી છે. સંક્રમણની ઝડપને જોતા ફરી એકવાર કોરોનાની નવી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને વાયરસના વધતા જતા ફેલાવાને ધ્યાનમાં રાખીને એલર્ટ રહેવા જણાવ્યું છે.