નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને લઈને દેશમાં PPE એટલે કે Personal Protection Equipment અને માસ્કની અછત હોવાની ફરિયાદો મળી રહી છે. તમામ રાજ્ય સરકાર તેની માંગ કરી રહ્યું છે. હવે આ બંને જરૂરી વસ્તુઓના ઉત્પાદનને લઈને સમાચાર સામે આવ્યા છે. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ પીપીઈ અને N95 માસ્કના ઉત્પાદનના મામલામાં ભારત દુનિયામાં બીજા નંબર પર પહોંચી ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે 11 એપ્રિલના ભારતના ઘરેલું ઉત્પાદકોએ 22000થી વધુ પીપીઈનું ઉત્પાદન કર્યું છે. આ અત્યાર સુધીમાં એક દિવસમાં ઉત્પાદન થનારી સૌથી મોટી સંખ્યા છે.


સરકારના એક અધિકારીએ તેને મોટી ઉપલબ્ધિ ગણાવતા જણાવ્યું કે આશરે 1 મહિના પહેલા સુધી ભારતમાં પીપીઈનું ઉત્પાદન એટલું નહોતું. તેનું મોટું કારણ હતું કે પીપીઈ માટે ઉપયોગમાં લેવામાં આવતું ફેબ્રિક ભારતમાં નહોતું બનતું. અધિકારીએ એ પણ જણાવ્યું કે આ મહામારીને જોતા આપાતકાલિન જરૂરને પૂર્ણ કરવા ચીનથી પીપીઈ અને માસ્ક બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 15 એપ્રિલ બાદ પીપીઈની પ્રથમ ખેપ ભારત પહોંચવા લાગશે.

સરકારના સૂત્રોએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં પીપીઈ અને માસ્ક બનાવવાની ક્ષમતા ડબલ થવાની શક્યતા છે. હાલમાં દેશની 40 કંપનીઓએ પીપીઈનું ઉત્પાદન શરૂ કર્યું છે. સૂત્રો મુજબ આયાત અને ઘરેલું ઉત્પાદન મળીને દેશની આવશ્યકતાને હિસાબથી બંને વસ્તુની અછત પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ સરકાર નિકાસ કરવા પર પણ વિચાર કરી શકે છે.