દેશના મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ સહિત 5 રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં સામે આવેલો નવો કોવિડ -19 સ્ટ્રેઇન મૂળ કોવિડ -19 કરતાં વધુ ખતરનાક અને ઝડપી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસ માટેની હર્ડ ઇમ્યુનિટીના કારણે 80% વસ્તીને સુરક્ષિત રાખવા માટે એન્ટિબોડીઝની જરૂર પડશે.
તેમણે જણાવ્યું કે, નવો ભારતીય સ્ટ્રેન ઝડપથી ફેલાતો અને ખતરનાક છે. જે લોકોમાં એન્ટીબોડીઝ બની ચુક્યા છે તેમને પણ ફરી સંક્રમણનો ખતરો રહી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, વેક્સિન પણ નવા કોવિડ-19 સ્ટ્રેન સામે ઈમ્યુનિટી આપી શકતી નથી. તેથી આ રાજ્યોનો પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 240 નવા કોવિડ-19 સ્ટ્રેન મામલાની ખબર પડી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,05,850 પર પહોંચી છે. જ્યારે કુલ 1,06,99,410 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,385 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,50,055 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને રસી આપવામાં આવી ચુકી છે.