નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અપીલ પર સમગ્ર દેશમાં જનતા કફર્યુની અસર જોવા મળી રહી છે. લોકો સ્વયંભૂ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કોરોના વાયરસથી દેશમાં કુલ સાત લોકોના મોત થયા છે.


10 મુખ્ય બાબતો

1) કોરોના વાયરસથી ગુજરાતમાં પ્રથમ મોત થયું છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોના વાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

2) ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાને બુધવાર સુધી લોક-ડાઉન કરી દેવામાં આવ્યા છે. માત્ર શાકભાજી, દૂધની ડેરી, મેડિકલ આઈટમો, કરિયાણું જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ વેચતી દુકાનો જ ખુલ્લી રહેશે.

3) કોરોના વાયરસના વધી રહેલા ખતરાને લઈ સરકારે મોટો ફેંસલો લીધો છે. 31 માર્ચ સુધી તમામ ટ્રેનો, મેટ્રો અને આંતરરાજ્ય બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

4) બિહારના હેલ્થ સેક્રેટરી સંજય કુમારે કહ્યું કે, કતારથી પરત ફરેલા 38 વર્ષીય વ્યક્તિનું પટના એઇમ્સમાં મોત થયું છે. જોકે તેમના મોતનું કારણ કિડની ફેઇલ જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ વ્યક્તિ COVID-19થી સંક્રમિત પણ હતો.

5) કેન્દ્ર સરકારે 31 માર્ચ સુધી તમામ સ્કૂલ, કોલેજ, જિમ, ક્લબ, મ્યૂઝિયમ, સ્વિમિંગ પૂલ, સિનેમાઘર, મોલ બંધ રાખવા આદેશ કર્યો છે. ઉપરાંત કોઈપણ સામાજિક મેળાવડા ન કરવા હુકમ કર્યો છે.

6) રાજસ્થાન સરકારે પણ 31 માર્ચ સુદી પૂર્ણ બંધનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે ગરીબોને આ બીમારીથી બચાવવા ખાવાના પેકેટ અને ઘઉં વિતરણનો ફેંસલો લીધો છે. પંજાબ સરકારે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરાવી દીધું છે. ઉપરાંત કોવિડ-19ને રોકવા અનેક રાજ્યોએ બસના આવવા-જવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

7) UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, લોકોએ આગળ પણ જનતા કર્ફ્યુ માટે તૈયાર રહેવું પડશે.

8) કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આજે બોલિવૂડ સિંગર કનિકા કપૂના પરિવારજનોએ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં તેની ઉંમર અને જાતિ બંને ખોટી લખવામાં આવી છે. રિપોર્ટમાં ઉંમર 28 વર્ષ અને મહિલાના બદલે પુરુષ લખેલું છે. પરિવારને શંકા છે રિપોર્ટ ખોટો પણ હોઇ શકે છે.

9) ઇતિહાસમાં દેશભરમાં પ્રથમ વખત તિરુમાલા, કાશી વિશ્વનાથ, શ્રીનાથજી, અંબાજી, દ્વારકા જેવા જાણીતા મંદિરો અને તાજમહેલ જેવા ટૂરિસ્ટ પ્લેસ લોકો માટે બંધ કરવામાં આવ્યા છે.

10) ઈન્ટરનેશનલ એરલાઇન્સ પર પણ એક સપ્તાહ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.