નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ સામે લડવા આજે જનતા કર્ફ્યૂ શરૂ થઇ ગયું છે. કોરોના સામે લડવા 14 કલાક પરીક્ષાનો સમય છે. આ દરમિયાન તમારે ઘરે રહીને કોરોનાને ફેલાવતો અટકાવવાનો છે. નોંધનીય છે કે જનતા કર્ફ્યૂમાં તમારે 14 કલાક સુધી ઘરોમાં કેદ રહેવું પડશે.


જનતા કર્ફ્યૂનો હેતું કોરોના વાયરસને ફેલાવતો અટકાવવાનો છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઇનને તોડવા માટે જેટલા લોકો ઘરમાં રહેશે તેટલો ફાયદો થશે. લોકો ઘરમાંથી બહાર નીકળશે નહી એટલે કોરોના વાયરસ ઝડપથી ફેલાશે નહી એટલા માટે જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

જનતા કર્ફ્યૂના દિવસે લોકો ઘરમાંથી બહાર ના નીકળે તે માટે ભારતીય રેલવેએ લગભગ 3700 ટ્રેનો રદ કરી દીધી છે. તે સિવાય દિલ્હી મેટ્રો પર પણ બ્રેક લાગી ગઇ છે. દિલ્હીમાં આજે ફક્ત 50 ટકા બસો દોડશે. ઉત્તર પ્રદેશમાં આજે સાર્વજનિક પરિવહનની બસો દોડશે નહી. નોઇડામાં આજે તમામ ફેક્ટરીઓ, કંપનીઓ, રેસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.