નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા છે, જે 75 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2700થી વધુ લોકોના મોત થયા છે.  


આ દરમિયાન આજે સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે માહિતી આપી કે, પ્રથમ લહેરમાં 1-10 વર્ષના 3.28 ટકા બાળકો અને બીજી લહેરમાં 3.05 ટકા બાળકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. જ્યારે 11-20 વર્ષના લોકો પ્રથમ 8.03 ટકા અને બીજી લહેરમાં 8.5 ટકા સંક્રમિત થયા છે.






થોડા દિવસ પહેલા એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ત્રીજી લહેર માટે અમારી પાસે કોઇ ડેટા નથી. આ સ્થિતિમાં એ કહેવું પણ મુશ્કેલ છે કે,બાળકો માટે કેટલી ઘાતક હશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વાયરસના કારણે લહેરો આવતી રહે છે કારણ કે વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. લોકડાઉનથી સંક્રમણ ઓછું ફેલાતા કેસ ઘટી જાય છે. જો કે લોકડાઉન ખૂલતા જ ઇન્ફેકશન ફરી વધતા લાગે છે. જો કે હાલ એવું કોઇ સચોટ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે, જેના આધારે કહી શકાય કે થર્ડ વેવ બાળકો માટે ઘાતક હશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, હાલ એવો કોઇ વૈજ્ઞાનિક ડેટા નથી કે એવું કહી શકાય કે, આગળની વેવ બાળકોને ટાર્ગેટ કરશે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471

  • એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378

  • કુલ મૃત્યુઆંકઃ 3,77,031


દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


દેશમાં 75 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 33માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 90 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.