ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના 32 હજારથી વધારે કેસ છે. સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે આજે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 17 લોકોના મોત થયા છે. આ સાથે જ આ મહામારીના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 862 પર પહોંચી છે.
તેમણે જણાવ્યું કે આ દરમિયાન પ્રદેશમાં સંક્રમણના 1206 નવા કેસ સામે આવ્યા છે. પ્રદેશમાં સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા 10373 છે. આ સિવાય અત્યાર સુધીમાં 21227 દર્દીઓ સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 32362 લોકો સંક્રમિત થયા છે.
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના મામલા હવે ચિંતાનો વિષય બની ગયો છે. તેની વચ્ચે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તી પર કોવિડ-19ના કેસ અને તેનાથી થનારા મોત દુનિયામાં સૌથી ઓછા છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોરોના પર નિયંત્રણ માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.