નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાં લગાવવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10.00 કલાકે રાષ્ટ્રને સંબોધન કરશે. પોતાના સંબોધનના થોડા કલાક પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને મોટી વાત કહી છે.


મોદીએ ટ્વિટ કરીને કહ્યું, આગામી સમયમાં કોરોના વાયરસના ખતરા સામે મળીને લડવા માટે આપણને શક્તિ મળી શકે છે. પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધન કરે તેમાં લોકડાઉનને લઈ કેટલીક જાહેરાતો થઈ શકે છે.

પીએમ મોદીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને લખ્યું, “વિવિધ તહેવારો પર દેશભરની જનતાને શુભકામના. આ તહેવારોથી ભારતમાં ભાઈચારાની ભાવના મજબૂત થશે. આ તહેવાર ખુશી અને સારું સ્વાસ્થ્ય પણ લાવશે. આગામી સમયમાં કોરોના વાયરસના ખતરા સામે મળીને લડવા માટે આપણને તાકાત મળી શકે છે.”



વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીએ લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી. લોકડાઉન વધારવા દરમિયાન કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી શકે છે.
1. હાલ દેશમાં પાકની કાપણીની સીઝન ચાલી રહી છે. તેથી ખેડૂતોને કેટલીક છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે.

2. જે મજૂરો કે ગરીબ લોકો લોકડાઉન દરમિયાન ક્યાંય ફસાયેલા હોય તેમને છૂટ આપવામાં આવી શકે છે.

3. સ્કૂલ-કોલેજો હાલ નહીં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

4. આરોગ્ય સેતુ એપનો ઈ-પાસની જેમ ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી શકે છે.

5. ઘરેલુ સામાન બનાવતી ફેકટરીઓ તથા સડક નિર્માણ સંબંધી કામમાં કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી શકે છે.
6. જે શહેરોમાં સંક્રમણના મામલા નથી ત્યાં લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે.